તાર ફેન્સીંગ યોજનામાં મોટો ફેરફાર: ક્યારથી ફોર્મ ભરાશે?

ખેડૂતો પોતાનો પાક ઉગાડી તો દે છે પરંતુ તેના રક્ષણ માટે ખાસ કોઈ યોજના હોતી નથી. ખેડૂતોએ ઉભા કરેલા પાકને રોજ અને જંગલી ભૂંડ જેવા પાણીઓ નાશ કરી દે છે. તેને જ ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા કાંટાળા તારની વાડ બાંધવા સહાય જાહેર કરી છે. ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા રાહતના સમાચાર આપ્યા છે.

[eac_elementor_tmpl id="6300"]

તાર ફેન્સિંગ યોજનામાં 2 હેકટરની મર્યાદા:

જોકે આ વખતે તાર ફેન્સિંગ યોજનામાં ઘણા ફેરફારો જોવા મળશે. આ યોજનામાં પહેલાં 5 હેકટરની મર્યાદા હતી જે ઘટાડીને 2 હેકટર કરવામાં આવી છે. એટલે કે જે ખેડૂત પાસે 5 હેકટર કે તેથી વધુ જમીન હોય તેવા ખેડૂતો ફોર્મ ભરી શકતા હતા, પરંતુ હવે 2 હેકટરની મર્યાદા કરી હોવાથી જે ખેડૂત પાસે 2 હેકટરની જમીન હશે તેને પણ આ યોજનાનો લાભ મળશે. આમ હવે નાના ખેડૂતોને પણ તાર ફેન્સિંગ યોજનાનો લાભ મળશે.

રનિંગ મીટર દીઠ 200 રૂ. સહાય

આ ઉપરાંત આ યોજનામાં ખેડૂતોને ઓછામાં ઓછા 2 હેકટર માટે કાંટાળા તારની વાડ બનાવા માટે પ્રતિ રનિંગ મીટર દીઠ 200 રૂ. સુધી અથવા કુલ ખર્ચના 50% એમ બે માંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર રહેશે. જોકે આ સહાય મેળવવા માટે ખેડૂતોએ i-khedut પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે અને ખેડૂતોએ વહેલાં તે પહેલાના ધોરણે અરજી કરવાની રહેશે.

આઈ ખેડૂત યોજનામાં મોટો ફેરફાર:

જોકે આ વખતે બીજો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમામ યોજનાઓ માટે વહેલાં તે પહેલાના ધોરણે અરજી કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેથી ખેડૂતો એકસાથે અરજી કરવા પડાપડી કરે છે. એકસાથે આટલી બધી અરજી થવાથી i-khedut પોર્ટલ ઠપ થઈ જાય છે અને ખેડૂતો અરજી કરી શકતા નથી. આ બધી સમસ્યાનું નિવારણ લાવવા માટે હવે તબક્કાવાર પદ્ધતિ કરવામાં આવશે. જેમાં અલગ અલગ 6 ઝોન બનાવી અલગ અલગ તારીખે અરજી સ્વીકારવામાં આવશે.

અલગ-અલગ 6 ઝોન મુજબ સહાય:

આઈ ખેડૂત (i-khedut) પોર્ટલ ઉપર આ વખતે તબક્કાવાર અરજી સ્વીકારવામાં આવશે. આ વખતે કુલ 6 ઝોન બનાવવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ, જૂનાગઢ, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા એમ 6 ઝોન બનશે. અને બે-બે ઝોન ને એક તારીખ આપવામાં આવશે, આમ અલગ અલગ 3 તારીખે અરજી સ્વીકારવામાં આવશે.

1) અમદાવાદ અને જૂનાગઢ ઝોન:-

આ બંને ઝોનમાં અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ જિલ્લામાં તાર ફેન્સિંગ યોજના માટે 8મી ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી i-khedut પોર્ટલ ઉપર અરજી ખુલ્લી મુકવામાં આવશે.

2) મહેસાણા અને રાજકોટ ઝોન:-

આ બંને ઝોનમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ જિલ્લામાં તાર ફેન્સિંગ યોજના માટે 10મી ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી i-khedut પોર્ટલ ઉપર અરજી ખુલ્લી મુકવામાં આવશે.

3) સુરત અને વડોદરા ઝોન:-

આ બંને ઝોનમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે આ તમામ જિલ્લામાં તાર ફેન્સીંગ યોજના માટે 12મી ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી i-khedut પોર્ટલ ઉપર અરજી ખુલ્લી મુકવામાં આવશે.

અરજી કર્યા બાદ જરૂરી કામ:

અરજદારે આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કર્યા બાદ તમામ જરૂરી સામગ્રી પૂરાવો સાથે ઓનલાઇન અરજીની પ્રિન્ટ જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂ કરવાના રહેશે. તે પછી વેરિફિકેશન કરવામાં આવશે અને તે પછી જ સહાય માટે પૂર્વ મંજૂરી આપવામાં આવશે.

જે ખેડૂતો અને ખેડૂત જૂથના આગેવાનોએ પૂર્વ મંજૂરી મેળવી છે, તેઓએ 120 દિવસમાં નિયત ડિઝાઇન અને સ્પષ્ટીકરણો મુજબ તાર ફેન્સીંગ બનાવવાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને તે જ ખરીદી માટે GST બિલ અને અન્ય જરૂરી દસ્તાવેજો સાથેનો દાવો સબમીટ કરવાનો રહેશે. ત્યારબાદ કામ પૂર્ણ થયાની સ્થળ ચકાસણી બાદ સહાયની રકમ સીધી બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે તેમ યાદીમાં જણાવ્યું છે.

Leave a Comment